સોનિયા સાથે મહારાષ્ટ્ર સરકારની રચના અંગે કોઈ વાટાઘાટ થઈ નથી : શરદ પવાર

0
74

શિવસેના તરફથી પણ પવારની ટિપ્પણી અંગે કોઈ પ્રતિક્રિયા મળી નથી!

મહારાષ્ટ્રમાં શિવસેનાની સરકાર બનાવવાની પ્રતીક્ષા ટૂંક સમયમાં સમાપ્ત થાય તેવી સંભાવના દેખાતી નથી. સોમવારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને મળેલા એનસીપીના પ્રમુખ શરદ પવારે શિવસેનાને સમર્થન આપવાના મુદ્દે કોઈ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે “અમારી બેઠકમાં સરકારની રચના અંગે ચર્ચા કરવામાં આવી નથી.”

બેઠક બાદ બંને પક્ષોએ સ્પષ્ટ કર્યું કે તેમને મહારાષ્ટ્ર સરકારની રચનાના મુદ્દે આગળ ચર્ચા કરવાની જરૂર છે

પવારે મીટિંગ પછી કહ્યું, “સોનિયા ગાંધી સાથે મારી મુલાકાત થઈ હતી, અને એકે એન્ટોની હાજર રહ્યા હતા. મેં તેમને રાજ્યની (મહારાષ્ટ્ર) રાજકીય પરિસ્થિતિ વિશે માહિતગાર કર્યા.” પવારે શિવસેનાને ટેકો આપવા અંગે ગઠબંધનના ભાગીદારોના વલણ અંગે વારંવાર સવાલ કર્યા ત્યારે પવારે કહ્યું કે, રાજ્યમાં સરકારની રચના અંગે કોઈ વાત થઈ નથી. તેમણે ઉમેર્યું, “અમે મહારાષ્ટ્રની રાજકીય સ્થિતિ પર નજર રાખીશું. કોંગ્રેસ અને એનસીપીના નેતાઓ ભાવિ કાર્યવાહી અંગે વધુ વાટાઘાટો કરશે.”

શિવસેના દ્વારા પવારની ટિપ્પણી અંગે કોઈ પ્રતિક્રિયા મળી નથી. જ્યારે ગઠબંધન સરકારની વાતોમાં શિવસેનાના દાવાઓ વિશે વારંવાર પૂછવામાં આવ્યું ત્યારે પવારે પત્રકારોને સેનાના નેતાઓ સમક્ષ આ પ્રશ્નો મૂકવા જણાવ્યું હતું. આ ઉપરાંત, પવારે કહ્યું કે, “ભાજપ અને સેનાએ સંયુક્ત રીતે ચૂંટણી લડી હતી. તેઓને પૂછો કે તેઓ સરકાર કેમ નથી બનાવી રહ્યા.” પવારે કહ્યું કે, અમે કોઈ નિર્ણય લેતા પહેલા પક્ષકારોનો અભિપ્રાય લઈશું.

સૂત્રોના જણાવ્યા મુજબ, સ્વાભિમાની પક્ષ, ભારતીય ખેડૂત અને મજૂર પક્ષ, અને સમાજવાદી પાર્ટી જેવા નાના ગઠબંધન ભાગીદારો શિવસેનાને ટેકો આપવાના પગલાથી નાખુશ છે.

રાજ્યમાં કોઈ પક્ષ કે ગઠબંધન દ્વારા સરકાર બનાવવાનો દાવો કરવામાં ન આવતાં 12 નવેમ્બરના રોજ મહારાષ્ટ્રને રાષ્ટ્રપતિ શાસનમાં લાદવામાં આવ્યું હતું. પૂનામાં એનસીપીની કોર કમિટીની બેઠકમાં રાષ્ટ્રપતિ શાસન સમાપ્ત થવું જોઈએ અને મહારાષ્ટ્રમાં વૈકલ્પિક સરકારની રચના થવી જોઇએ તેવો નિર્ણય કર્યાના એક દિવસ પછી કોંગ્રેસના પ્રમુખ સાથે પવારની બેઠક મળી હતી.

ઉદ્ધવ ઠાકરેની અયોધ્યા મુલાકાત મુલ્તવી

આ દરમિયાન શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ 24 નવેમ્બરની અયોધ્યાની મુલાકાત મુલતવી રાખી હોવાનું સેનાના એક નેતાએ સોમવારે જણાવ્યું હતું. તેને જણાવ્યું હતું કે “સરકારની રચના પ્રક્રિયામાં સમય લાગી રહ્યો છે. ત્રણેય પક્ષો (સેના, એનસીપી અને કોંગ્રેસ)ના નેતાઓ બેઠક યોજી રહ્યા છે. તેઓ સરકારની રચના ઉપર ધ્યાન આપી રહ્યા છે. જેને ધ્યાનમાં રાખીને ઉદ્ધવએ તેમની અયોધ્યાની મુલાકાત મુલતવી રાખવાનો નિર્ણય લીધો છે”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here