PNB કૌભાંડના માસ્ટરમાઇન્ડ મેહુલ ચોકસીને લઈ થયો મોટો ઘટસ્ફોટ, આ બેંક પણ લપેટામાં

0
14

તમે પંજાબ નેશનલ બેંક(PNB) કૌભાંડના માસ્ટરમાઇન્ડ મેહુલ ચોકસીને તો જાણતા હશો. જે હાલ દેશમાંથી ફરાર છે અને ભારતીય તપાસ એજન્સીઓ તેને સ્વદેશ પરત લાવવા માટે સતત મથી રહી છે. જ્યારે હવે આ દરમિયાન ચોકસીને લઈ વધુ એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે.

મીડિયા રિપોર્ટ મુજબ મેહુલ ચોકસીએ જાહેર ક્ષેત્રની વધુ એક બેંક પંજાબ એન્ડ સિંધ બેંક(PSB)ને ચૂનો લગાવ્યો છે. મીડિયા સૂત્રો મુજબ ચોકસીએ પંજાબ એન્ડ સિંધ બેંક સાથે 44.1 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી છે. આ વિશે ખુદ બેંકે માહિતી આપી છે. આ પ્રથમવાર છે જ્યારે બેન્કે ચોક્સીના લોન ડિફોલ્ટ અને છેતરપિંડી અંગે જાહેરમાં માહિતી આપી છે. બેન્કે જણાવ્યું હતું કે ચોકસીની કંપની ગીતાંજલિ જેમ્સ લિમિટેડ તેમ જ ગીતાંજલિ એક્સ્પોર્ટ લિમિટેડે તેની પાસેથી ધિરાણ મેળવ્યું હતું. મેહુલ ચોકસી કંપનીના ડિરેક્ટર હતા અને ગેરંટર પણ હતા. લોન ખાતામાં તેમને ગુણિયલ ચોકસીના કાયદેસરના વારસ તરીકે પણ નોંધાયેલા છે. ચોકસીએ લોનની રકમ પરત ભરપાઈ ના કરતાં 31 માર્ચ, 2018ના રોજ પીએસી બેન્કે તે રકમને એનપીએમાં મૂકી દીધી.

બેન્કે 23 ઓક્ટોબર, 2018નાં રોજ ચોકસીને લોન,વ્યાજ અને અન્ય ચાર્જિસની ચુકવણી કરવા સૂચના આપી હતી. લોન ભરપાઈ ના થતાં 17 સપ્ટેમ્બર, 2019ના રોજ પીએસબીએ ચોકસીને વિલફુલ ડિફોલ્ટર જાહેર કર્યા હતા. સીબીઆઇએ ગુરુવારે મુંબઇની એક અદાલતમાં આગ્રહપૂર્વક રજૂઆત કરી હતી કે પંજાબ નેશનલ બેન્ક કૌભાંડના મુખ્ય આરોપી મેહુલ ચોકસીને ભાગેડુ જાહેર કરવામાં આવે. એજન્સીએ જણાવ્યું હતું કે, બિન જામીનપાત્ર વોરન્ટનો જવાબ આપવામાં તેઓ નિષ્ફળ રહ્યા છે.

મામા-ભાણિયા મેહુલ ચોકસી અને નીરવ મોદી ફેબ્રુઆરી 2018માં ચર્ચામાં આવ્યા હતા. પંજાબ નેશનલ બેન્કે તે બંનેએ તેની સાથે રૂપિયા 13,500 કરોડની છેતરપિંડી કરી હોવાનો ઘટસ્ફોટ કરતાં દેશના બેન્કિંગ ઉદ્યોગમાં ખળભળાટ મચી ગયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here